ઋણાનુબંધ

ઘર ની શેરી થી બહાર નીકળતા જાણે નવી દુનિયા આવી જતી ખડકી ના સિવાય શહેર નો ભાગ્યે કોઈ ખૂણો કોન્ક્રીટ જંગલ ની ચુન્ગાલ માંથી આમ આબાદ રીતે છટકી ગયો હશે. દાયકાઓ સાથે શહેર ના રંગ રૂપ બદલાતા ગયા, પણ ખડકી કાળ ની થપાટો જીરવી ગયી - જાણે કોઈ શૂરવીર યોદ્ધો ચારે બાજુ થી ઘેરાવા છતાં અડીખમ ઉભો રહી લડતો રહે ! એક રીતે જોતાં શહેર નો અતુલ્ય વારસો અને રાજવી ઈતિહાસ નો એક પુરાવો બચ્યો હતો. ખડકી માં ગણતરી ના 12-15 ઘર હશેપણ બધાયે એક થી એક ચડિયાતા. સ્થાપત્યકળા ના અભ્યાસુઓ અવારનવાર આવતા. ક્યારેક વિદેશી પર્યટકો પણ આવી જતા અને જાત ભાત ના સ્કેચ બનાવી જતા. સ્કૂલ માં જતો થયો ત્યાં સુધી તો બધા ની આદત પડી ગયી હતી. દાદાજી ના આગ્રહ થી મારા પપ્પા લગ્ન પછી શહેર ના નવા ઘર માં શિફ્ટ નો'તા થયા. હું બે પગે ચાલતા શીખેલો ત્યારે દાદાજી દુનિયા છોડી ને ચાલી નીકળ્યા. એમના પછી પપ્પા ને પણ શહેર માં જવાનો મોહ જતો રહ્યો હતો. આમ તો ખડકી થોડી સાંકડી હતી, કદાચ એટલે  અહી લોકો ના મન બહુ મોકળા હતા. પપ્પા ની જોડે થી ક્યારેક સંભાળ્યું હતું કે એમના સ્કૂલે જવાના દિવસો માં બધાયે ઘર ના લોકો એક મોટા પરિવાર ની જેમ રહેતા. ઘર ના દરવાજા ક્યારેય બંધ નો'તા થતા. કોઈ ના ઘરે મીઠાઈ કે વાનગી બને તો બધા ના ઘરે વહેંચાતી. વર્ષો વીત્યા અને પેઢીઓ બદલાઈ. એની સાથે પ્રથા પણ બંધ થઇ હતી. કોઈ ના સાથે હજુ પણ  વાડકી-વ્યવહાર થતો હોય તો હતા બાજુ ના ઘર માં રહેતા લીલાવતી બા. અમે એમને લીલા બા કહી ને બોલાવતા.

કદાચ ખડકી નું સૌથી મોટું અને સૌથી જુનું ઘર એમનું હશે. છતાંયે ઘર ની બધી નકશીદાર થાંભલીઓ એકદમ મજબૂત હતી. ઘર ને અમે હવેલી કહેતા. નાનકડો ઓટલો જોઈ ઘર ની ભવ્યતા નો ક્યાસ માપી શકતા લોકો ઘર ની અંદર ના વરંડા ને જોઇને શબ્દો ભૂલી જતા. બે માળ ના મકાન માં નહિ નહિ તોયે 8 તો ઓરડા હશે. સાગ ના બારી બારણા, અને ઘર ના પ્રવેશદ્વાર પર ની સિંહ ની મુખાકૃતિ એમના રાજવી સમય ની ચાડી ખાતા. અટારી પર થી આખી ખડકી ની નજર રાખી શકાતી, જ્યાં રોજ સાંજે બા એમની ઝુલાખુરશી માં બેસી ને માળા જપ્યા કરતા. ગયા વર્ષે જયારે લીલાવતી બા ના મકાન ને 150 વર્ષ પુરા થયા ત્યારે ખુદ નગરપાલિકા ના માણસો આવી ને ફોટા પડાવી ગયેલા. હજી પણ દિવસ યાદ છે, કારણ કે દિવસે બા અમારે માટે એમનો 'ઈસ્પેસલશીરો બનાવીને લાવેલા ! જે મને ખૂબ ખૂબ ભાવતો.એમનો રવા નો શીરો જવલ્લે બનાવતા. કદાચ વર્ષ માં એકાદ વાર, કે પણ નહિસમજણો થયો ત્યારથી બા ને એમના ઘરે એકલા જોયા છે. લીલા બા મારા મમ્મી ને દીકરી માનતા, અને મને એમનો લાડકો. એમના મારા પર હમેશા ચાર હાથ રહેતા. જયારે કોઈ જીદ પૂરી કરવી હોય, તો લીલા બા ના ખોળા માં જઈને બેસતો અને પહેલા એમને મનાવતો. મારું કામ આસાન થઇ જતું ! મને  જાત ભાત ની વાર્તાઓ કહેતા - એમના ભૂતકાળ ની, જાહોજલાલી ની, રાજવી વૈભવ ની. મને મજા પડી જતી. મારા મમ્મી ને પણ ક્યારેય વાંધો નો'તો કારણકે વાર્તાઓ ની આડ માં મારામાં સંસ્કારો નું સિંચન એમને કરેલું, જે મને બહુ મોડેથી સમજાયું હતું, જયારે દુનિયાદારી ની સમજણ આવતી થઇ હતી. એટલે કદાચ પપ્પા મને જયારે મને એન્જીનીયરીંગ કરવા માટે વિદેશ મોકલવાનું નક્કી કર્યું ત્યારે જાણે હૃદય નો કોઈ ટુકડો વિખુટો પડી જવાનો છે એવો ડર મને અને લીલા બા, બંને ને સતાવી ગયો હતોલાગણીઓ ના ઘોડાપૂર લીલા બા ની આંખો માં જોઈ શકાતા. એટલે જવાના સમયે મારી પાંપણે બંધાયેલા આંસુઓ ના તોરણો ને રૂમાલ ની કિનારીએ થી લૂછતાં હું બા ને વળગીને ....

આજે દસ વર્ષ પછી શેરી માં પગ મુકતા ની સાથે સાંજ યાદ આવી ગયીઘરે પાછા આવવાનો ઉમંગ અને લીલા બા ને મળવાની અને જોવાની તાલાવેલી મને આખાયે રસ્તે સતાવતી રહી હતી. આવતા ની સાથે જાણે વર્ષો થી વાટ જોઇને ઉભેલી મમ્મી ને પગે લાગ્યો અને બીજી ક્ષણે મારી નજર ગયી બા ના ઘર ની અટારી પર. સાંજ ના સમયે બા અચૂક અટારી માં દેખાય. પણ અત્યારે કેમ કોઈ દેખાતું નથી ? પપ્પા ને જયારે ફોન કરીને કહેલું કે હું ઘરે પાછો આવું છુ, ત્યારે મેં એમને કહ્યું હતું કે લીલા બા ને વાત કોઈએ કહેવી નહિ. એમની આંખો માં મારા આવવાની ખુશી ની ખબર જે ચમક લાવવાની હતી મારે જાતે જોવી હતી. પપ્પા મારી વાત ની મૂક સહમતી પણ આપી હતી. મમ્મી ની વાતો ખૂટતી નો'તી પણ મારું ધ્યાન હજી પણ ખાલી અટારીએ થી જવાનું નામ નો'તું લઇ રહ્યું. મારા થી રહેવાયું નહિ અને આખરે વાત ને વચ્ચે થી કાપતા મારા થી બોલી જવાયું "મમ્મીલીલા બા ને સરપ્રાઈઝ આપી આવું?" અને એક ક્ષણ માટે મમ્મી ના ચહેરા પર ના હાવભાવ બદલાઈ ગયા. પપ્પા ની સામે એક નજર નાખી ને એમને કહ્યું, "કેમ નહિચલ બેટા, હું પણ આવું છું તારી સાથે. તને મારી જરૂર પડશે". 

મમ્મી ની વાત સાંભળી- સાંભળી કરીને હું બાળસહજ ઉત્સાહ થી એમના ઘર ના ઓટલે પહોચ્યો. દરવાજો બંધ જોઈ ને નવાઈ લાગી અને મેં મારા અચરજ ને નેવે મૂકી દરવાજો ખટખટાવ્યો. ત્યાં સુધી મમ્મી પણ મારી સ્ફૂર્તિ સાથે કદમ મેળવવાના વ્યર્થ પ્રયત્નો કરતા કરતા મારી સાથે આવી ને ઉભી રહી. એના ચેહરા પર ની શાંતિ જોઇને મને થોડું અચરજ થયું. દરવાજા પર ચમકતી નાની બત્તી ના આછા ઉજાસ માં મમ્મી ના ચહેરા પર નવી ઉપસી આવેલી કરચલીઓ સાફ દેખાઈ રહી હતી. દરવાજા પર એક સમયે રાજવી વૈભવ ની ચાડી ખાતી સિંહ ની મુખાકૃતિઓ અત્યારે સાવ બિસ્માર થઇ ગયી હતી. દરવાજા ની પેલે પાર થતી કોઈ પણ ચહલ પહલ કે આવતો કોઈ પણ અવાજ સાંભળવા માટે કાન સરવા કરી ને હું કદાચ આખી એક મિનીટ ઉભો રહ્યો હોઈશ. એક મિનીટ મને જાણે યુગો વિતતા હોય એટલી લાંબી લાગી હતી. હર એક વીતતી ક્ષણે મારી તાલાવેલી ચિંતા માં બદલવા લાગી હતી. મારા મન માં ઉંધા ચત્તા વિચારો આવવાના બસ શરુ થયા હતા કે ત્યાં દરવાજો મિજાગરા ની ઇચ્છાઓ વિરદ્ધ ખૂલતો હોય એમ ચીસ પાડી ને ખુલ્યો. કોઈ આધેડ વય ની સ્ત્રી ફીકા સ્મિત સાથે દરવાજો ખોલ્યો અને મમ્મી ની સામે જોઈ અમને અંદર આવવાની જાણે પરવાનગી આપી. મારા કુતૂહલ ને કાબુ માં રાખી ને મેં ઘર માં પ્રવેશ કર્યો. સ્ત્રી ને ઓળખવાનો વ્યર્થ પ્રયત્ન પણ કર્યો. એની માથે ઓઢેલી ઘસાયેલી સાડી, માથે પુરેલું સિંદુર એની અહી રહેવાની મજબૂરી, ગરીબી અને સંસ્કારો વિષે ઘણું બધું કહી જતા. આટલું જાણ્યા પછી મેં નજર ઘર માં ફેરવી.

અંદર નું દ્રશ્ય જોઇને મને બા વિષે વધારે ચિંતા થઇ. પાછલા દસ વર્ષો જાણે હવેલી-શા ઘર ને દાયકાઓ જુનું કરી નાખ્યું હતું. એકાદ બે દીવાબત્તી છોડતાં આખા ઘર ને જાણે અંધકાર ભરખી ગયો હતો. વરંડા પછી ના એક રૂમ માં થોડું વધારે અજવાળું દેખાયું અને જોઈ બહુ મુશ્કેલીઓ થી ચિંતા ના વાદળો ને દૂર ધકેલી હું થોડો આશાવાદી બન્યો. બા નો મુખ્ય શયન ખંડ હતો. મન તો બહુ હતુંછતાંય દોટ મૂકી ખંડ માં પહોચી જવાની જાણે  હિંમત નો'તી રહી. મૂક રહી હું સ્ત્રી ની પાછળ પાછળ એક એક કદમ મિલાવી ચાલતો રહ્યો. હર એક ક્ષણ જાણે હું પોતાને સમજાવી રહ્યો હતો કે સૌ સારા વાના હશે. જયારે દરવાજા પર પહોંચી ને અંદર પગ મુકતાં  મારો શ્વાસ રૂંધાવા લાગ્યો. ટેબલ પર પડેલી દવાઓ, ગ્લુકોઝ ની બોતલો, ઇન્જેક્શન ની શીશીઓ, શ્રીનાથજી ના ફોટાઓ અને અગરબત્તીઓ ની રાખ જાણે ઓરડા નો કબજો લઇ ને બેઠા હતાઅને ત્યાં મેં એમને જોયા. એકદમ પથારી વશ. એમનું ક્ષીણ શરીર જોઇને મને સમજાયું કે એમના હવે બહુ દિવસો નથી રહ્યા. એમની ઊંડી ઉતારી ગયેલી બંધ આંખો અને ચહેરા પર નું આછું સ્મિત એક વિરોધાભાસ નો સંકેત દઈ રહ્યા હતા; જાણે પાનખર માં પીળું થઇ ગયેલું પર્ણ હજીએ વસંત ની આસ લગાવી ને બેઠું હોય. મેં મમ્મી ની સામે જોયું. નજર થી એમને કહ્યું કે હવે મને સમજાયું કે એમને 'તને મારી જરૂર પડશે' એવું કેમ કહ્યું હતું. પેલી સ્ત્રી બા ને જગાડ્યા. થોડા સળવળાટ પછી એમને મહા મહેનતે આંખો ખોલી અને પૂછ્યું "કોણ આવ્યું છે?". હવે મારો વારો હતો બોલવાનો. મેં બધી હિંમત ભેગી કરી ને કહ્યું "લીલા બા, હું છું". અને જાણે એમના શરીર માં પ્રાણ આવી ગયા. પથારી માં બેઠા કરવાનો ઈશારો કરતા કરતા એમના આંખો માં થી ચોધાર આંસુ વેહવા લાગ્યા અને તૂટ્યા અવાજે મને એટલું કહ્યું "આવ બેટા, તારી વાટ જોતી હતી" અને હું એમને ગળે વળગી મુક્ત મને રડ્યો. રડતો રહ્યો.

*******

આજે બા નું તેરમું હતું. આંસુઓ સુકાતા નો'તા. વાત મને હજુયે ખટક્યા કરતી હતી કે સાંજે બા ના નિર્વાણ માટે હું આવ્યો હતો. કદાચ વાત નો રંજ આખી જીંદગી રહેવાનો હતો કે હું સમય પર આવી ના શક્યો, જયારે લીલા બા ને મારી જરૂર હતી. મમ્મી અને પપ્પા વાત ને સ્પષ્ટ રીતે સમજતા હતા. એટલે મમ્મી પપ્પા ના કહેવાથી મને સંભાળવાનો બહુ પ્રયત્ન કર્યો. જયારે મમ્મી હિંમત હારી ગયી, ત્યારે એમણે  મને એમની સાથે બા ના ઘર ની અટારી આવવા કહ્યું. આંખો માં આંસુ ને અચંબા સાથે હું એમને જોઈ રહ્યો, અને એમની સાથે ચાલવા લાગ્યો. ત્યાં પહોચી ને મમ્મી મને એટલું કહ્યું "તું ગયો ત્યાર થી અહી બેસીને બા રોજ તારી વાટ  જોતા" અને મારા હાથ માં એક કાગળ થમાવ્યો. વાંચવાનું શરુ કર્યું ને મારી આંખોએ જાણે આંસુઓ ની માઝા મૂકી.

"વ્હાલા દીકરા,

તારી વાટ જોતા જોતા આયખું  ઓછુ પડી જશે એવું લાગે છે. એટલે પત્ર તને લખું છું.

તને કદાચ ખબર નહિ હોય,પણ મારા બે સગા દીકરાઓ છે વિદેશ માં, વર્ષો થીઅને હવે તો એમને છોકરાઓ પણ છે.એમને ભણવા મોકલતા સમયે ખબર પણ નો'તી કે પાછા કદી નહિ આવે. જયારે જયારે એમની સાથે ફોન પર વાત થતી ત્યારે હું બહુ ખુશ થતી અને ખડકી માં બધા ને રવા નો શીરો વહેંચતી. પણ ફોન આવતા લગભગ બંધ થયા ને જીવન માં ખાલીપો વર્તવા લાગ્યો , અને ત્યારે શ્રીનાથજી મારા જીવન માં તને મોકલ્યોમારા સગા દીકરાઓ અને એમના પૌત્રો ના ભાગ નો બધો પ્રેમ તે મને આપ્યો છે. એક સમય હતો કે મને એમના ફોન ની વાટ હમેશા જોતી રહેતી. હવે સમય એવો આવ્યો છે કે હું તારા આવવાની રાહ જોઈ રહી છું. મને ભરોસો છે કે તું એમના જેવો નહિ થઇ જાય અને તારી બા પાસે પાછો આવશે. મેં તારા પપ્પા અને મમ્મી ને કશુયે બતાવાની નાં પાડી હતી એટલે એમણે તને કશીયે જાણ નો'તી કરી. મેં એમ પણ કહ્યું હતું કે જો તું મારા જીવતાજીવ આવશે તો પત્ર તારા હાથ માં આપશે. તારા કારણે મારો જન્મારો સફળ થયો એવું લાગે છે. જેવી રીતે તે મને સાચવી છે રીતે હું ઇચ્છુ છું કે મારા પછી મારી હવેલી તું સાચવે. એના કાગળ પહેલા થી તારા પપ્પા ના હાથ માં આપી દીધા છે.

અને તો થયી મારા સ્વાર્થ ની વાત. તારા માટે એક અનમોલ વસ્તુ તારા મમ્મી ને આપી ને જાઉ છું. કદાચ બહાને તું હમેશા યાદ કરતો રહેશે.

ભગવાન તને હમેશા સુખી રાખે.

- લીલાવતી "

અહોભાવ અને મુંઝવણ સાથે હું આખોયે પત્ર અનેક વાર વાંચી ગયો. અચાનક મમ્મી ને શોધવા નજર ફેરવીઅને એમને જોઇને મને અનમોલ વસ્તુ શું છે ખબર પડી ગયી.

હવેલી ના મિલકત ના પેપર્સ ની સાથે મમ્મી વાડકી ભરી ને રવા નો શીરો મારા હાથ માં મુક્યો. શીરા ની સોડમ થી અને લીલા બા ની યાદ થી આખી ખડકી ભરાઈ ગયી.


 -       Asthir Amdavadi (on 23 January 2014)
-   

Comments